રાજકોટ મનપા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનાર છે. જેમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. આ સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્ત મુજબ રખડતા ઢોર પકડાયા બાદ તેને છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવામાં આવશે. તેમજ ઢોરની પરમીટ લેવી ફરજિયાત કરાશે. જેમાં ધંધાદારી લોકો માટે લાયસન્સ ફી અને વ્યક્તિગત માલિક માટે પણ અલગ ફી નિર્ધારીત કરવામાં આવી છે. દરખાસ્ત મંજુર થાય તો અમુક વિસ્તારો રખડતા ઢોરનાં ત્રાસથી મહદઅંશે મુક્ત થશે. શહેરમાં અન્ય મહાનગરોની જેમ ‘નો-કેટલ ઝોન’ બનાવવામાં આવશે. એટલે કે સરકારની પરવાનગીથી મહાપાલિકા જે વિસ્તારને નો-કેટલ ઝોનમાં મુકે તે વિસ્તારમાં ઢોર રાખવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત પણ વોર્ડ નં.3માં નવો ગાર્ડન, પાઇપ વિભાગ માટે નવા સાધનો ખરીદવા, જુના વાહનોના ભંગારમાં વેંચાણ, આંગણવાડી, પેવિંગ બ્લોક, મેટલીંગ સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.