જૂનાગઢનો પરિવાર ધોરાજી ફરવા આવ્યા બાદ પિતા અને પુત્ર તેમજ પુત્રી રીક્ષા લઇ પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે નંબર 27 પર ધોરાજીના ભાદર-2 ડેમ પછીના આવતા પ્રથમ ભાદરના પુલ પર પહોંચ્યા હતા. પહેલાં પુત્રને પાણીમાં નાખી બાદમાં પિતાએ પણ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પોતાની નજર સામે આ ઘટના બનતાં પુત્રી ડઘાઇ ગઇ હતી અને રાડારાડ કરી મૂકી હતી જેના પગલે ત્યાંથી પસાર થતા વાહનો અટકી ગયા હતા અને કોઇએ પોલીસને તેમજ ફાયરને જાણ કરતાં રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. પરતુ અંધારું થઇ ગયું હોઇ, બચાવ કામગીરીમાં વિઘ્ન આવતાં સવારે ફરી પાણી ડહોળવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને બન્નેના મૃતદેહો બહાર કાઢી ધોરાજી સિવિલમાં પીએમ માટે મોકલી અપાયા હતા. વધુ તપાસ ધોરાજી પીઆઇ ગોહિલ ચલાવી રહ્યા છે.
જૂનાગઢના દાતાર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હિરેન જયસ્વાલ તેમના 9 વર્ષના પુત્ર રીયાંશ અને પુત્રી સાથે જૂનાગઢથી ધોરાજી ખાતે ફરવા આવ્યો હતો, મોડી રાત્રે ત્રણે જૂનાગઢ જવાને બદલે હિરેને પોતાના ભત્રીજાને ફોન કરી વરસાદ હોય દીકરીને તેડી જવા જણાવ્યું હતું અને બાદમાં પહેલાં રિયાંશને નદીમાં ફેંકી દીધો અને બાદમાં પોતે પણ ઝંપલાવી દીધું હતું. આથી ડઘાઇ ગયેલી પુત્રી દ્રષ્ટિએ તરત તેના મામાને રડતા રડતા હકીકત જણાવી હતી. આથી બાળકીના મામા દોડી આવ્યા હતા અને તેને લઇ પરિવારને જૂનાગઢ જાણ કરી હતી.