વિશ્વભરમાં યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું છે. લેન્સેટ સાયકિયાટ્રીક કમિશન દ્વારા પ્રકાશિત નવા અહેવાલ મુજબ, વધતી જતી વૈશ્વિક સમસ્યાઓ જેમ કે આબોહવા પરિવર્તન, આર્થિક અસમાનતા અને ટેક્નોલોજીમાં પ્રગતિ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી રહી છે. રિપોર્ટમાં ટેક્નોલોજીના રોજબરોજના અપડેટ્સને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસરનું મુખ્ય કારણ જણાવવામાં આવ્યું છે.
આજના યુવાનોને એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે તેઓએ પોતાની જાતને હંમેશા નવી ટેક્નોલોજી સાથે અપડેટ રાખવાની છે, પછી તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, નવી એપ્લિકેશનો હોય કે વ્યાવસાયિક સાધનો હોય. આ ટેક્નોલોજિકલ રેસે તેમને માનસિક રીતે થકવી દીધા છે. ઘણા યુવાનો આ સ્પર્ધામાં પાછળ રહેતા જોવા મળે છે અને તેનાથી તેમના આત્મવિશ્વાસ પર અસર પડી રહી છે. બીજી તરફ, ટેક્નોલોજીમાં થતી સતત પ્રગતિને લીધે વિશ્વમાં નોકરીની અસુરક્ષા એ બીજું એક મોટું કારણ છે જે યુવાનોની માનસિક સ્થિતિને અસર કરે છે.
ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી નવી ટેક્નોલોજીએ ઘણી નોકરીઓ જોખમમાં મૂકી છે. યુવાનોને ડર છે કે મશીનો અથવા નવી ટેક્નોલોજી દ્વારા તેમની નોકરીઓ છીનવાઈ જશે. આ ડરથી તેમની માનસિક શાંતિ છીનવાઈ ગઈ છે. વધુમાં નોકરીમાં રહેવા માટે સતત પોતાને અપડેટ કરવા અને નવા કૌશલ્યો શીખવાથી વધારાનું દબાણ પણ ઊભું થાય છે, જે યુવાનોમાં ચિંતા અને તણાવમાં વધારો કરે છે.