ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કોરોનાકાળમાં બંધ થઇ ગયેલી રૂ.5માં બાંધકામ શ્રમિકોને ભોજનની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાએ બ્લેકલિસ્ટ કરી દીધેલી ‘શ્રી શક્તિ’’ એજન્સીને અન્નપૂર્ણા યોજનાનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને આ મુદ્દે રાજકોટ શ્રમ આયુક્ત કચેરીએ ધ્યાન દોર્યા બાદ પણ આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે ત્યારે બ્લેકલિસ્ટ કરેલી એજન્સીને કોની ભલામણથી કામ આપવામાં આવ્યું ? શા માટે રાજકોટની કચેરીના અધિકારીઓની ભલામણ ધ્યાને લેવામાં ન આવી? તેવા સવાલો ઊઠી રહ્યા છે.
રાજકોટ શ્રમ આયુક્ત કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા કોરોનાકાળ બાદ જાન્યુઆરી-2023માં બાંધકામ શ્રમિકોને રૂ.5માં ભોજનની યોજના ફરી શરૂ કરવામાં આવી હતી અને તેના માટે કોન્ટ્રાક્ટ આપવાની કામગીરી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસને સોંપવામાં આવી હતી. રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી સમગ્ર ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને ભોજન કરાવવાનો કોન્ટ્રાક્ટ ‘અક્ષયપાત્ર’’ અને ‘શ્રી શક્તિ’’ એજન્સીને આપવામાં આવ્યો હતો. આ સમયે ‘શ્રી શક્તિ એજન્સી’’ને બ્લેકલિસ્ટ કરાયાની ખાનપુર ખાતે સ્થિત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીને જાણ પણ કરવામાં આવી હતી. આમ છતાં આજે પોણા બે વર્ષ જેટલા સમયથી આ એજન્સી બાંધકામ શ્રમિકોને ભોજન પૂરું પાડવાની કામગીરી કરી રહ્યું છે.