મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી ઉછાળા તરફી બંધ થયા હતા. સેન્સેક્સ 91 પોઈન્ટના ઉછાળા સાથે 83079 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 07 પોઈન્ટના ઉછાળા સાથે 25449 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 34 પોઈન્ટના ઉછાળા સાથે 52295 પોઈન્ટના સ્તરે બંધ થયો. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સક્રિય ખરીદી થતાં માર્કેટબ્રેડથ પોઝીટીવ બની હતી.અર્નિંગ સિઝનના કારણે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહ્યું છે,જ્યારે રોકાણકારો પણ સેક્ટર વાઇઝ પર નજર રાખી રહ્યા છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ ભારતીય શેરબજારોમાં અણધારી રીતે તેમનો હિસ્સો વધાર્યો હતો.યુએસ બોન્ડની ઉપજ ઘટી, યુએસ ડોલર નબળો પડયો,તેલના ભાવમાં ઘટાડો થયો અને ધાતુના ભાવમાં વધારો થયો તેમજ વૈશ્વિક પરિબળોને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં ઘટાડો થવાની સંભાવનાથી ઇક્વિટી માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે.આ બુધવારે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો અંગે નિર્ણય લેવામાં આવશે.જેમાં મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોને વ્યાજના દરોમાં 25થી 50પોઈન્ટ્સ નો ઘટાડો થવાનો તીવ્ર આશાવાદ છે. જેના પગલે ઈક્વિટી અને બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ આર્થિક વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. મજબૂત આઈઆઈપીના પગલે આગામી મહિને રજૂ થનારા કોર્પોરેટ પરિણામો પણ પ્રોત્સાહક રહેવાની શક્યતા છે.