વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્ર કોરોના મહામારી બાદ ઝડપી ગ્રોથ સાધી રહ્યું છે ત્યારે દેશમાં કમાણી કરનારાની સંખ્યામાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ 2019 થી 2024 સુધી દેશમાં 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોની સંખ્યામાં 63%નો ઉછાળો નોંધાયો છે. ભારતમાં અમીરોની સંખ્યા અને કમાણી બંને તેજીથી વધી રહી છે. સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે દેશમાં 31,000થી વધુ લોકો દર વર્ષે 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે, જ્યારે વાર્ષિક 5 કરોડની કમાણી કરનારાની સંખ્યા 58,000ને આંબી ચૂકી છે.
2019 થી 2024 એટલે કે છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. કરોડપતિઓની સંખ્યા તેજીથી વધી રહી છે. આ 5 વર્ષોમાં ભારતમાં 10 કરોડથી વધુ કમાણી કરનારાની સંખ્યામાં 63%નો ઉછાળો નોંધાયો છે અને અત્યારે 31,800 કરોડપતિ વાર્ષિક એટલી કમાણી કરે છે. આ સમયગાળા દરમિયાન 10 કરોડથી વધુની કમાણી કરનારા લોકોની કુલ નેટવર્થ 121%ની વૃદ્ધિ સાથે 38 લાખ કરોડ રૂપિયા થઇ ચુકી છે.તે ઉપરાંત જે ભારતીયોની વાર્ષિક કમાણી 5 કરોડ રૂપિયાથી વધુ છે, તેમની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 49%નો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે અને તેનો આંકડો 58,200 સુધી પહોંચી ગયો છે.