બારડોલીમાં AAP કાર્યકર પાસે મળી આવેલા 20 લાખના કેસની તપાસ કરી રહેલી પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીમાં નવા ધડાકા થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી 20 કરોડ આંગડિયા મારફતે આવ્યા છે. 4 આંગડિયાને ત્યા તપાસ શરૂ કરાઈ છે. અધિકારીઓએ 4 જેટલી આંગડિયા પેઢીને પણ સાણસામાં લીધી છે. હજી ત્રણ પેઢીના હિસાબો ચેક કરવાના બાકી હોય ઇલેક્શન અગાઉ હવાલા મારફત ગુજરાત આવેલી રકમનો ફિગર વધી શકે છે.
તપાસ અધિકારીઓએ કહ્યું હતું કે, પંજાબ અને દિલ્હીથી રૂપિયા આંગડિયા મારફત સીધા અમદાવાદ આવતા હતા અને ત્યાં આપના આદિત્ય જૈન અને સુધીર ઠાકુર સમગ્ર ગુજરાતમાં મોકલાતા હતા. આ અંગે ડીસીપી બી.કે. વનારે જણાવ્યું હતું કે, 20 લાખની રકમ મળ્યા બાદ પોલીસ અને સાથે સાથે આવકવેરા વિભાગે પણ તપાસ કરી છે.જેમાં 8 કરોડ રૂપિયા ટૂકડે ટૂકડે દિલ્હીથી આવ્યા હતા. જેની 108 એન્ટ્રી મળી છે.
બારડોલી આપના રાજેન્દ્ર સોલંકીના ડ્રાઇવરની ઓળખ આપનારા સૌરવ પરાશરે શરૂઆતમાં કેટલીક માહિતી છુપાવી હતી પરંતુ બાદમાં સામે આવ્યું કે, તે આપની ટેકનિકલ ટીમનો હેડ છે અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે. તે અગાઉ કોંગ્રેસ અને ‘આઇપેક’ (પ્રશાંત કિશોર) માટે પણ કામ કરી ચૂક્યો છે. પટેલ સોમા આંગડિયાને ત્યાંથી અગાઉ પરાસરે 20 લાખની રકમ મેળવી હતી.