રાજકોટની દક્ષિણ બેઠક પર કડિયા સમાજ પછી માલધારી સમાજ ભાજપ વિરૂદ્ધ રોષે ભરાયો છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, માલધારીઓ સાથે આતંકવાદી જેવું કૃત્ય કરવામાં આવે છે. ગાયના માલિક અને ગાયને મારવામાં આવે છે. આથી માલધારી સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. રાજકોટમાં ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા લોકોને બુધવારે રજા હોય છે. પરંતુ ચાલુ અઠવાડિયામાં ગુરૂવારે મતદાન હોય લોકો બુધવારે કામ ચાલુ રાખશે અને ગુરૂવારે રજા રાખશે. આ અંગેનો નિર્ણય ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશને જાહેર કર્યો છે.
માલધારી સમાજના અગ્રણી રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર 70 લાખથી વધુ માલધારી સમાજના લોકો વસે છે. આ સરકારે ગાયના નામે મત લઈને ગાયને જ મારી. ગાયના જ દીકરા એવા માલધારી સમાજના 20 લોકોને પાસા કરવામાં આવ્યા, બે યુવાનને સજા કરી. આ આતંકવાદી છે, આ ગાય છે. કોર્પોરેશનના કર્મચારીઓ ગાયને લઈને માલધારી સમાજના લોકો પર અત્યાચાર કરે છે. ગુજરાતની અંદર સમસ્ત માલધારી સમાજે નક્કી કર્યું છે કે, જેમ અમને માર્યા છે તેમ અમે તમને મતદાનથી મારીશું.