એક તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા આશારામને જામીન આપવામાં આવ્યા છે તો બીજી તરફ તેના 3 જ દિવસ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આશારામના યૌન શોષણ કેસના સાક્ષી વૈદ્ય અમૃત પ્રજાપતિના હત્યા કેસમાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તરમા વૈદ્ય અમૃત પ્રજાપતિની ગોળી મારી શાર્પશૂટર દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેમાં આજે 10 વર્ષ બાદ રાજકોટ પોલીસે વધુ એક આરોપીની કર્ણાટક સ્થિત આશારામના આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવી છે.
હજુ 7 આરોપી પોલીસ પકડથી દૂર છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી આશ્રમમાં પ્રવેશી રેકી કરી બાદમાં આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37)ની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પોલીસ દ્વારા આ કેસમાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જયારે હજુ 7 આરોપી પોલીસ પકડથી દૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે અને 31 માર્ચ, 2025 સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 મે 2014ના રોજ રાજકોટના પેડક રોડ ઉપર ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવેલા શાર્પ શૂટરે અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસમાં 10 વર્ષ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી વેશપલટો કરી કર્ણાટક સ્થિત આસારામના આશ્રમમાં રેકી કરી બાદમાં વધુ એક આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37)ની ધરપકડ કરવામાં આવી છે.