રેસકોર્સ પાસેના મારુતિનગરમાં બિલ્ડરે લોનના બોજવાળો ફ્લેટ મહિલાને ધાબડી રૂ.37 લાખની છેતરપિંડી આચરી હતી. મહિલાએ દસ્તાવેજની સતત માંગ કરતાં બિલ્ડરનો ભાંડો ફૂટ્યો હતો. મારુતિનગરમાં તસ્કી એપાર્ટમેન્ટમાં રહેતા તાહેરાબેન મુર્તુજા ચિકાણી (ઉ.વ.48)એ પ્ર.નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રણજિત જીતબહાદુર વશિષ્ટનું નામ આપ્યું હતું.
તાહેરાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2020માં ફ્લેટ જોવા ગયા હતા અને પસંદ પડતાં બિલ્ડર રણજિત વશિષ્ટને સૂથી પેટે રૂ.5300 આપ્યા હતા અને ફ્લેટની કિંમત રૂ.37,50,000 નક્કી કરી હતી. ફ્લેટની કિંમત કટકે કટકે આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ રૂ.20 લાખ ચૂકવતાં રણજિત વશિષ્ટે ચાવી આપતા ચિકાણી પરિવાર ફ્લેટમાં રહેવા જતો રહ્યો હતો.
2020માં અશાંતધારો લાગુ પડતાં ચિકાણી પરિવારે હવે કઇ રીતે દસ્તાવેજ થશે તેમ કહેતાં બિલ્ડર રણજિતે કહ્યું હતું કે, તમે ચિંતા ના કરો, હું બધું જોઇ લઇશ, જેથી ચિકાણી પરિવારે થોડા દિવસો પછી દસ્તાવેજ કરી આપવાનું કહેતા અને બાકીના રૂપિયાની માંગ કરતાં ચિકાણી પરિવારે તાકીદે દસ્તાવેજ થઇ જાય તે માટે નાણાં આપ્યા હતા અને કુલ રૂ.37,05,300 ચૂકવી દીધા હતા, પરંતુ રણજિત દસ્તાવેજ કરી આપતો નહોતો, તા.7 જાન્યુઆરીએ તાહેરાબેને કબજા સાથેનો વેચાણ કરાર કરતા તેમને જાણવા મળ્યું હતું કે, રણજિત વશિષ્ટે આ ફ્લેટ પર લોન લીધી છે અને ફ્લેટના દસ્તાવેજ બેંકમાં ગીરો પડ્યા છે.