ભારત સૌથી ઓછા ઉત્પાદન ખર્ચ એટલે કે કારખાનાનું ન્યૂનત્તમ ખર્ચથી સંચાલન કરવાના મામલે આગળ છે. યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટની યાદી અનુસાર, ભારતે આ મામલે ચીન અને વિયતનામને પણ પાછળ છોડી દીધું છે. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ રેન્કિંગની નવી યાદી અનુસાર, ભારતને આ મામલે 100 અંક મળ્યા છે.
યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ અનુસાર 85 દેશોમાંથી ભારત 31માં ક્રમાંકે છે. જ્યારે ઑપન ફોર બિઝનેસ કેટેગરીમાં ભારત 37માં સ્થાને છે. રિપોર્ટમાં 73 વિશેષતાઓની સાથે 85 દેશોને આવરી લેવાયા છે. આ વિશેષતાઓને 10 સબ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં સાહસ, ચપળતા, ઉદ્યોગસાહસિકતા, ઑપન ફોર બિઝનેસ, સામાજીક હેતુ અને જીવનની ગુણવત્તા સહિતના ઘટકો સામેલ છે.
ઓપન ફોર બિઝનેસ સબ કેટેગરી હેઠળ, ભારતે ઓછા મેન્યુફેક્ચરિંગ ખર્ચ મામલે 100 ટકાનો સ્કોર હાંસલ કર્યો છે. પરંતુ ટેક્સને લગતા સાનુકૂળ માહોલને મામલે 100માંથી 16.2, જ્યારે ભ્રષ્ટ નહીં શ્રેણીમાં 18.1 તેમજ પારદર્શક સરકારી પોલિસીમાં 3.5 હતો.
જીવનની ગુણવત્તાની શ્રેણી હેઠળ ભારતે આવકની અસમાનતામાં 1.9, સલામતીમાં 4.3, સુવિકસિત જાહેર સ્વાસ્થ્ય સેવામાં 2.3, આર્થિક સ્થિરતાના પરિમાણમાં 9.9નો સ્કોર હાંસલ કર્યો છે.