દેશના રિયઅલ એસ્ટેટ માર્કેટમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી-માર્ચ દરમિયાન દેશના પ્રમુખ 8 શહેરોમાં મિલકતોની સરેરાશ કિંમતમાં 10%નો ઉછાળો નોંધાયો છે. જેમાં બેંગ્લુરુમાં પ્રોપર્ટીની કિંમતો સૌથી વધુ 19% વધી છે. ક્રેડાઇ, રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલાયર્સ ઇન્ડિયા અને ડેટા એનાલિટિક ફર્મ લાઇસ ફોરસના સંયુક્ત રિપોર્ટ અનુસાર આ શહેરોમાં મિલકતોની કિંમતમાં 4%થી લઇને 19% સુધીનો વધારો થયો છે.
ડેટા અનુસાર, બેંગ્લુરુમાં જાન્યુઆરી-માર્ચ 2024માં મિલકતોની કિંમત 19% વધી સ્ક્વેરફૂટ દીઠ રૂ.10,377 નોંધાઇ છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન સ્ક્વેર ફુટ દીઠ રૂ.8,748 હતી. દેશના ટોચના આઠ શહેરોમાં વાર્ષિક સ્તરે કિંમતોમાં 10 ટકાનો વધારો થયો છે. તે ઉપરાંત મજબૂત વેચાણ પણ નોંધાયું છે તેવું લાયસ ફોરસના એમડી પંકજ કપુરે જણાવ્યું હતું.