નવી સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થયા બાદ નવી અને જૂની સંસદની ઇમારતોની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પાસેથી હટાવીને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ને સોંપવામાં આવી છે. 20 મેથી સંસદની સુરક્ષા માટે CISFના 3300 જવાનો તહેનાત કરવામાં આવશે.
CRPFના પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ (PDG) એ 17 મેના રોજ પોતાના 1400 સૈનિકોને પાછા બોલાવ્યા છે. તેણે તેના તમામ વહીવટી અને ઓપરેશનલ સાધનોને પણ હટાવ્યા છે, જેમાં વાહનો, હથિયારો અને કમાન્ડો સામેલ છે. CRPF કમાન્ડર DIG રેન્કના અધિકારીએ સંસદની સુરક્ષા સાથે જોડાયેલી તમામ માહિતી CISFને સોંપી દીધી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર CISFના 3317 જવાન આતંકવાદીઓ અને હુમલાખોરોથી સંસદની સુરક્ષા કરશે. CISFના જવાનો છેલ્લા 10 દિવસથી સંસદની સુરક્ષા માટે તાલીમ લઈ રહ્યા હતા. તેમને NSGના બ્લેક કમાન્ડો સાથે પણ તાલીમ આપવામાં આવી છે.
CISF જવાનોને એન્ટ્રી ગેટ ચેકિંગ, લગેજ ચેકિંગ, બોમ્બ ડિટેક્શન અને ડિફ્યુઝિંગ, આતંકવાદી હુમલા પર ઝડપી કાર્યવાહી, સ્નાઈપર ટાસ્કની તાલીમ આપવામાં આવી છે.