રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના આંગણવાડી કેન્દ્રોમાંથી મોટાભાગની આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે ત્યારે હવે રાજકોટ જિલ્લા પંચાયતે વિવિધ ગામોમાં બે તબક્કામાં 169 આંગણવાડીઓ બનાવવા નિર્ણય કર્યો છે જેમાં પ્રથમ તબક્કામાં 110 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલતી હોય તેવી નવી બનાવાશે અને બીજા તબક્કામાં 59 જર્જરિત આંગણવાડી તોડી પાડીને નવી બનાવવામાં આવશે. આ નવી આંગણવાડીનો લાભ 5000થી વધુ વિદ્યાર્થીઓને થશે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર સાવીત્રી નાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 1360 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જેમાંથી 1011 માલિકીના છે અને 220 ભાડાના મકાનમાં બેસે છે. જ્યારે 129 કોમ્યુનિટી હોલ તથા અન્ય જગ્યા પર ચાલે છે. આથી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી કેન્દ્રોને પોતાના માલિકીના મકાન બની જાય તે માટે ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણેએ પ્રયાસો હાથ ધર્યા હતા અને રાજકોટ જિલ્લા પંચાયત પાસે વર્ષ 2012-13થી 2015-16 સુધીની બચત રહેલી રૂ.20,38,81,500ની રકમ આંગણવાડી કેન્દ્રોના નવા બિલ્ડિંગો બનાવવામાં વાપરવા નિર્ણય કરાયો છે અને આ માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવીને પ્રથમ તબક્કામાં 110 નવી આંગણવાડી કેન્દ્રો બનાવવા અને બીજા તબક્કામાં જર્જરિત થઇ ગયેલી 59 આંગણવાડી કેન્દ્રોના મકાનોના ડિમોલિશન કરી નવેસરથી બનાવવાનો નિર્ણય કરાયો છે. આ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી કામ આપવામાં આવશે.