મોરબીના વજેપરમાં સરકારી ખરાબા પર ભાજપના આગેવાન અરવિંદ બારૈયાએ ક્લાસિક પાર્ટી પ્લોટ ખડકી દીધો હતો. ચાર વર્ષથી બારૈયાએ સરકારી જમીન પર કબજો જમાવી પાર્ટી પ્લોટ ભાડે આપી લોકો પાસેથી લાખો રૂપિયા ભાડું વસૂલ્યું હતું. ચાર ચાર વર્ષથી આ ગોરખધંધા ચાલતા હતા, પરંતુ કલેક્ટર તંત્ર રાજકીય આગેવાનના ઘૂંટણિયે પડી ગયું હતું. દિવ્ય ભાસ્કરે આ મામલો ઉઠાવતા તેના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને મોરબી જિલ્લા કલેક્ટરની સૂચનાથી મામલતદારે દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી હતી. સોમવારે કલેક્ટર તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચ્યું હતું અને કેટલીક દીવાલો પર બુલડોઝર ચલાવ્યું હતું.
મોરબી શહેરના મામલતદાર હિતેષ કુંડારિયાએ જણાવ્યું હતું કે, દબાણ દૂર કરી 4 વીઘા જમીન છૂટી કરવામાં આવી છે. વજેપરના સરવે નં.1116 પર હજુ પણ દબાણ છે તે કેમ દૂર કરવામાં અાવ્યું નથી? તેવા સવાલનો ઉત્તર આપતા કુંડારિયાએ કહ્યું હતું કે, દેખીતું દબાણ દૂર કરાયું છે. અરવિંદ બારૈયાને અન્ય દબાણ દૂર કરવાનો સમય આપવામાં આવ્યો છે અને ડીએલઆરને પણ સરકારી જમીનની માપણી કરી દેવા કહ્યું છે. એ માપણી બાદ જેટલું દબાણ હશે તે દૂર કરી દેવાશે, પરંતુ વાસ્તવિક્તા કંઇક અલગ જ હોવાની મોરબીના નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે. અરવિંદ બારૈયાના સરકારી જગ્યાના દબાણની સૌકોઇને જાણ હતી. જિલ્લાના ટોચના અધિકારી પણ આ અરવિંદ બારૈયાની રાજકીય તાકાત સામે કંઇ કરી શકતા નહોતા. બારૈયાનું દબાણ દૂર કરવાની વેળા આવી ત્યારે પણ જિલ્લાના ટોચના અધિકારીએ પોતાની હામાં હા નહીં મિલાવીને બારૈયાના દબાણને માન્ય નહીં કરનાર મામલતદારને રજા પર ઉતરી જવા કહ્યું હતું અને પોતાના કહ્યાગરા કુંડારિયાને લાવી તેની પાસે અધકચરું ડિમોલિશન કરાવી રાજ્ય સરકારની આંખે પણ પાટા બાંધવાના પ્રયાસ કર્યા હતા.