ભારતમાં ટોપ આઇસક્રીમ બ્રાન્ડ્સમાંથી એક નેચરલ્સ આઇસક્રીમના ફાઉન્ડર રઘુનંદન શ્રીનિવાસ કામથનું 70 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમણે 17 મેના રોજ સાંજે મુબંઈના એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા.
કામથના પિતા કર્ણાટકના મેંગ્લોર જિલ્લાના એક ગામમાં કેરી વેચતા હતા. યોગ્ય ફળ કેવી રીતે પસંદ કરવા અને તેને સાચવવા તે શીખવા માટે કામથે ઘણા વર્ષો સુધી તેના પિતા સાથે કામ કર્યું. કામથ બિઝનેસ કરવાનું વિચારીને મુંબઈ આવ્યા. કામથે તેમની પ્રથમ આઈસ્ક્રીમ બ્રાન્ડ નેચરલ્સ 14 ફેબ્રુઆરી 1984ના રોજ લોન્ચ કરી. તેણે મુંબઈના જુહુમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો.
તે સમયે નેચરલ્સ પાસે માત્ર 4 કર્મચારીઓ હતા. તેમની પાસે 10 ફ્લેવરનો આઈસ્ક્રીમ હતા. શરૂઆતમાં કામતે આઈસ્ક્રીમની સાથે પાવભાજી પણ રાખી હતી. થોડા સમય પછી તેમણે 12 ફ્લેવર્સ સાથે સંપૂર્ણ સુવિધાયુક્ત આઈસ્ક્રીમ પાર્લર તરીકે સ્ટોર શરૂ કર્યો. આજે તે રૂ. 400 કરોડથી વધુની કિંમતની કંપની છે. જ્યારે નેચરલ્સ આઈસ્ક્રીમના 2020 સુધી દેશભરમાં 135 આઈસ્ક્રીમ પાર્લર હતા.