રાજકોટ જેતપુર નેશનલ હાઇવેને સિક્સલેન કરવાની ચાલતી કામગીરી વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની રહી છે અને તેમાં પણ મૂકવામાં આવેલા ડાઇવર્ઝન પણ સ્મૂધ ન હોવાની ફરિયાદો ઉઠતાં કલેક્ટરે હાઇવેના એન્ટ્રી ગેટ પર ડાઇવર્ઝન પાસે મોટી સાઇઝમાં સાઇન લગાવવા, ચોકમાં હાઇમાસ્ટ લાઇટ મૂકવા સુચના આપી છે, જેથી વાહન ચાલકો દુરથી જ ડાઇવર્ઝનને ઓળખી શકે અને અકસ્માત ઘટે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરની ઉપસ્થિતિમાં તાજેતરમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા સંલગ્ન જુદા જુદા હાઇવે પર નિર્ધારિત બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતના કારણોની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આ સ્થળોએ જરૂરી માર્ગદર્શક સાઈનની સાઈઝ વધારવા, ડાયવર્ઝન સ્મૂધ બનાવવા, હાઇવે ચોકમાં હાઈ માસ્ટ લાઇટ લગાડવા વિવિધ એજન્સીને કલેકટરએ સૂચનાઓ આપી હતી.