તાંઝાનિયાના વિક્ટોરિયા તળાવમાં રવિવારે એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વિમાનમાં 49 મુસાફરો સવાર હતા, જેમાંથી 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
તાંઝાનિયા પોલીસના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનને કારણે વિમાન તળાવમાં ક્રેશ થયું હતું. વિમાન ઉત્તર પશ્ચિમ શહેર બુકોબામાં ઉતરવાનું હતું, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આવી જ ઘટના 5 વર્ષ પહેલા નોર્ધન તાંઝાનિયામાં બની હતી. સફારી કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 11 લોકોના મોત થયા હતા.
અહેવાલો અનુસાર, બુકોબા એરપોર્ટથી માત્ર 100 મીટરના અંતરે વિમાન ક્રેશ થયું હતુ. આ વિમાન પ્રિસિઝન એર કંપનીનું હતુ, જે તાન્ઝાનિયાની સૌથી મોટી ખાનગી એરલાઇન છે. કંપનીએ દુર્ઘટના બાદ નિવેદન જારી કર્યું હતું કે રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાદમાં વધુ માહિતી જાહેર કરવામાં આવશે.