છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડા ખાતે ગત 1 ઓક્ટોબરના રોજ પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતાં રસ્તામાં બાળકને જન્મ આપી મહિલાનું મોત થઈ ગયું હતું. આ ઘટનાં મીડિયામાં ચમકતા હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ સમાચાર વાંચીને અમારું માથું શરમથી ઝૂકી ગયું છે. ત્યાર બાદ સરકારે તાત્કાલિક રૂ.18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કરી દીધો હતો. ત્યારે આ ઘટના બાદ ગઈકાલે ફરી એક સગર્ભાને દુ:ખાવો ઉપડતાં 17 વર્ષમાં પહેલી વખત તુરખેડામાં 108 પહોંચી હતી. મહિલાને લઇને જતી 108માં રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઈ જતાં મહિલાએ દીકરીને જન્મ આપ્યો છે. જેથી ગામલોકોમાં ખુશી છવાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 2007ની 29 ઓગસ્ટે 108 ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી.
તુરખેડાના બસ્કરિયા ફળિયાની ફરીથી એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં બપોરના સમયે ઝોળીમાં નાખીને ઉંચકીને 3 કિલોમીટર સુધી ગામની બહાર આવેલા મંદિરે લાવવામાં આવી હતી. કારણ કે, ત્યાં સુધી કોઈપણ વાહન આવી શકે તેમ નથી. જે બાદ 108ને ફોન કરતાં 17 વર્ષે પહેલી વખત તુરખેડા ખાતે 108 પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ જ સમયે અગાઉથી કડીપાની આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ પણ પહેલીવાર સર્વે કરવા માટે ગઈ હતી. ત્યારે સૌપ્રથમ મહિલાને એમ્બ્યુલન્સ લઇ જવાઈ હતી. ત્યાં સુધીમાં 108 આવી જતાં મહિલાને 108માં ખસેડાઈ હતી. જે બાદ ગામના ઉબડખાબડ રસ્તામાં પરથી 108 તો નીકળી ગઈ હતી, પરંતુ એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જેને ગામલોકોએ ધક્કા લગાવીને રવાના કરી હતી.