દેશના ટિયર-2 અને ટિયર-3 એટલે કે નાના અને મધ્યમ સ્તરના શહેરો મોટા શહેરોની તુલનામાં વધુ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યા છે. અનેક મોટા મોટા બિઝનેસ તેમજ સ્ટાર્ટઅપની શરૂઆત પણ આ શહેરોથી જ થઇ રહી છે. રોકાણકારો પણ આ શહેરોના સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં રૂચિ દાખવી રહ્યાં છે.
એડવાઇઝરી ફર્મ પ્રાઇમર્સ પાર્ટનર્સના સોમવારે આવેલા એક રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં દેશના નાના અને મધ્યમ શહેરોમાં સ્ટાર્ટઅપનો ગ્રોથ 90% રહ્યો હતો જ્યારે ટિયર-1 શહેરોમાં આ માત્ર 10% હતો. એક તરફ જ્યાં વિશ્વભરમાં સ્ટાર્ટઅપ સેક્ટરમાં ફંડિગ વિન્ટરનો દોર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આ નાના શહેરોના સ્ટાર્ટઅપમાં રોકાણમાં 2 વર્ષમાં 3 ગણો વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2022માં દેશમાં સ્ટાર્ટઅપમાં કુલ રોકાણમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોના સ્ટાર્ટઅપનો હિસ્સો 22 ટકાની આસપાસ રહ્યો હતો. 2023માં અંદાજે 44% રોકાણકારોએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું હતું. વર્ષ 2021માં આ શહેરોના સ્ટાર્ટઅપમાં અંદાજે 37,500 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. વર્ષ 2022માં આ રોકાણ વધીને અંદાજે 75 હજાર કરોડ રૂપિયા થઇ ગયું હતું, જે 2023માં વધીને 1,12,500 કરોડ રૂપિયા થયું હતું.