આજ-કાલ વિવિધ ટેક્નોલોજીની મદદથી સાઈબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે. લાખો લોકો સાઈબર ગુનાઓનો ભોગ બની રહ્યા છે. જુદી જુદી લિન્ક ખોલતા જ લોકોનાં બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા જતા રહે છે. આવા તો અનેક ગુનાઓ જુદાંજુદાં ક્ષેત્રમાં થઇ રહ્યા છે, જેના પર નિયંત્રણ લાવવા પ્રજા જાગૃત બને અને આગામી સમયમાં સાઈબર માફિયાઓ સામેની લડત વધુ મજબૂત બનાવવાના પ્રયાસો અંતર્ગત ગુજરાત પોલીસને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવા અમદાવાદમાં પ્રથમ વખત દેશ-વિદેશના જાણીતા 200 હેકર્સ આવશે. જેઓ હેકિંગમાં સેટેલાઇટ અને AI ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી અને લાઈવ ડેમો આપશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, સીપી જી.એસ. મલિક ઉપસ્થિત રહેશે. આ આખા કાર્યક્રમનું બીસાઈડ અમદાવાદ 12 અને 13 ઓક્ટોબરે ક્લબ 07 ખાતે આયોજન કરાયું છે. જેમાં ટોચના સાઈબર સુરક્ષા નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટમાં સુરક્ષા સામે પડકારો, ઉદ્યોગ અને સરકાર વચ્ચે સહયોગ માટેની તકો પર ચર્ચા કરાશે. આગામી સમયમાં ગુજરાત પોલીસ પણ આ સાઈબર એક્સપર્ટનો સહારો લેશે.