દેશની ફાર્મા ઇન્ડસ્ટ્રીનો રેવેન્યૂ ગ્રોથ વાર્ષિક ધોરણે 8.5%ના દરે વધી શકે છે અને સ્થાનિક સ્તરે ફોર્મ્યુલેશન અને યુએસ માર્કેટમાં કેટલાક લોન્ચિંગને કારણે તેને વેગ મળશે તેવું અનુમાન એક્સિસ સિક્યોરિટીઝ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર કવરેજ હેઠળની કંપનીઓ વાર્ષિક 8.5%નો રેવેન્યૂ ગ્રોથ તેમજ નાણાવર્ષ 2025ના બીજા ક્વાર્ટર દરમિયાન 3.1%નો રેવેન્યૂ ગ્રોથ નોંધાવે તેવી અપેક્ષા છે. રેવેન્યૂ ગ્રોથ ઉપરાંત EBIDTA પણ વાર્ષિક સ્તરે 10.5% અને ક્વાર્ટર દરમિયાન 3.8%ના દરે વધવાની શક્યતા છે. જ્યારે કર પછીનો નફો પણ વર્ષ દરમિયાન 14% અને ક્વાર્ટર દરમિયાન 1% વધે તેવી સંભાવના છે. કેટલીક ગંભીર બીમારી માટેની થેરેપીમાં પણ મજબૂત પરફોર્મન્સને કારણે ભારતીય માર્કેટમાં કમબેક જોવા મળી શકે છે.
નોંધપાત્ર રીતે ડૉ. રેડ્ડી, સિપ્લા અને ઓરોબિંદોએ નાણાવર્ષ 2025ના બીજા ક્વાર્ટર દરમિયાન GRevlimidનું $125 મિલિયન, $30 મિલિયન અને $30 મિલિયનનું વેચાણ નોંધાવ્યું છે. તે ઉપરાંત મોટા ભાગની ફાર્મા કંપનીઓના માર્જિનમાં પણ 40 બેસિસ પોઇન્ટનો સુધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે ફોર્મ્યુલેશન બિઝનેસ માટે સાનુકૂળ ક્વાર્ટર ઉપરાંત સ્થિર નૂર ખર્ચ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ પોલિસી અને વધુ ફાયદાકારક પ્રોડક્ટ મિક્સને કારણે માર્જિનમાં વધારો શક્ય બનશે.
APIની કિંમતમાં સુધારો વોલ્યૂમ ગ્રોથ અને ચીનથી સપ્લાયમાં નિયંત્રણને કારણે સંભવ થશે. તદુપરાંત, ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો છે અને નાણાવર્ષ 2025ના બીજા ક્વાર્ટર દરમિયાન શિપિંગના દરો પણ સ્થિર રહ્યા છે જેને કારણે પણ નજીકના ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને માર્જિન જાળવી રાખવામાં મદદ મળી શકે છે.