શહેરના બાળકો આનંદ માણી શકે એવો ચોટીલા રોડ ઉપરનો જીલેશ્વર પાર્ક બાગ છે. પરંતુ ત્યાં પણ છેલ્લા ઘણા સમયથી બાળ ક્રિડાંગણનાં હિંચકા, લપસીયા અને ચકરડી જેવા સાધનો સાવ ભંગાર બની ગયા છે. સરકારી કચેરીઓ અને રોડ, રસ્તા, પુલ જેવા વિકાસનાં કામો પાછળ જવાબદાર તંત્ર દ્વારા લાખો-કરોડો રૂપિયા વાપરી નાંખવામાં આવે છે. પણ જસદણ શહેરના બાળકોના મનોરંજન માટેના સાધનો માટે મામુલી રકમ પણ નહીં ફાળવાતી હોવાથી જાગૃત નગરજનોમાં કચવાટ છવાયો છે.
જીલેશ્વરપાર્ક બાગની એટલી ખરાબ હાલત કરી દેવાઇ છે કે બાગમાં લોકો માટેના ચાલવા લાયક રસ્તામાં ઘાસ ઉગી જતા જંગલ સમાન બની ગયું છે. નગરપાલિકામાં બાગની સાફ-સફાઈના બીલ તો બને છે, અહિયાં કોઈ સાફ-સફાઈ થતી નથી. બાળકો રમવા માટે આવી શકે તેવી સુવિધા નથી. રમત-ગમતનું એકપણ સાધન નથી. ફિલ્ટર પ્લાન્ટનું ખરાબાનું પાણી પણ જ્યાં બાળકોને રમવાનું હોય ત્યાં આવતું હોવાથી ગંદકી પણ વધી છે. જેથી પાલિકાના જવાબદારો દ્વારા પ્રજાના પૈસાનો સદઉપયોગ કરી જીલેશ્વરપાર્કના બાગને ફરી જીવંત કરવાની કામગીરી કરવામાં આવે તેવી જાગૃત નગરજનોની માંગ ઉઠવા પામી છે.