સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉથી જ જુદા જુદા કોર્સની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવાયું હતું, પરંતુ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જવાને પગલે યુનિવર્સિટીની 55થી વધુ કોર્સની પરીક્ષા પણ પાછી ઠેલાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી તારીખ 9 નવેમ્બરને બુધવારથી યુનિવર્સિટીના 42 હજાર જેટલા વિદ્યાર્થીની પરીક્ષા લેવાનાર છે, પરંતુ ત્યારબાદ બીજી કોઈ પરીક્ષા યોજાશે નહીં. યુનિવર્સિટીના ટાઈમટેબલ પ્રમાણે 21મી નવેમ્બરથી પણ પરીક્ષાઓ શરૂ થવાની હતી, આ ઉપરાંત ડિસેમ્બરમાં પણ પરીક્ષાનું આયોજન થવાનું હતું, કેટલાક કોર્સની પરીક્ષા તો 1 ડિસેમ્બર એટલે કે મતદાનના દિવસે જ હોવાથી 9મી નવેમ્બર પછીની તમામ પરીક્ષાઓ હવે સંભવત: 13 ડિસેમ્બર બાદ લેવામાં આવશે તેવું આયોજન થઇ રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 21 નવેમ્બરથી બી.એ., બી.કોમ., એલએલબી, બીએસસી, બીબીએ, બીએ એલએલબી, એમ.એ., એમ.કોમ. સહિતના જુદા જુદા 55 જેટલા કોર્સના સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાનાર હતી પરતું હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઈ છે તેના પગલે 9મી પછીની તમામ પરીક્ષાઓ ચૂંટણીને પગલે મોકૂફ રાખવામાં આવી છે. બાકી રહેલી તમામ પરીક્ષાઓ 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અને 10મી સુધીમાં ચૂંટણી સંબંધિત તમામ કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ સંભવત: 13મી ડિસેમ્બર બાદ લેવા વિચારણા ચાલી રહી છે.