ગઈકાલે લખનઉ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ખૂબ જ રોમાંચકતાવાળી મેચ રમાઈ ગઈ હતી, જેમાં બેંગલોરે આપેલા 213 રનના ટાર્ગેટને લખનઉએ છેલ્લા બોલે ચેઝ કર્યો હતો. મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. તણાવભરી પરિસ્થિતિ અને રૂંવાડાં ઊભાં કરી દેનારી આ મેચમાં અંતે લખનઉ જીત્યું હતું. આ મેચમાં પાવરપ્લેમાં જ લખનઉએ 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી માર્કસ સ્ટોઇનિસે બેટિંગ કરીને જીતની આશા જગાડી હતી. જોકે તેના પછી તરત જ કેએલ રાહુલના આઉટ થયા બાદ ફેન્સે લખનઉના જીતની આશા જ છોડી દીધી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડીઝના સ્ટાર નિકોલસ પુરને કંઈક અલગ જ વિચાર્યું હતું.
27 વર્ષીય આ કેરેબિયન પ્લેયરે તબાહી મચાવી દીધી હતી. તે જ્યારે બેટિંગમાં આવ્યો, ત્યારે ટીમનો સ્કોર 4 વિકેટે 99 રન હતો. આ પછી તેણે ફટકાબાજી કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે આ સીઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી છે. પૂરને માત્ર 15 બોલમાં છગ્ગો ફટરકારીને આ શાનદાર અડધી સદીની ઉજવણી કરી હતી. આટલેથી તે નહોતો અટક્યો અને પછી પણ સિક્સર ફટકારવાનું ચાલુ રાખ્યું હતું. પૂરને 19 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 62 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ટીમની જીતમાં મહત્ત્વનો પાયો નાંખ્યો હતો.