રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગએ ગતિ પકડી છે. દર સપ્તાહે 20થી વધુ કેસ આવી રહ્યા છે અને હજુ જાન્યુઆરી સુધી આ ક્રમ ચાલુ રહે તેવી શક્યતા છે.
મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર તા.21થી 27 દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે જ્યારે મલેરિયાના 2 કેસ છે. આ સાથે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 312, મલેરિયાના 2 અને ચિકનગુનિયાના 30 કેસ નોંધાયા છે. આશાવર્કર, વી.બી.ડી. વોલેયન્ટિયર્સ સહિતની 360 ટીમએ સપ્તાહ દરમિયાન 93338 ઘરમાં પોરાનાશક કામગીરી કરી હતી અને ફિલ્ડવર્કર દ્વારા 5637 ઘરમાં ફોગિંગ કરાયું છે. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્સિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ મકાનોની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળે તો જગ્યાનો ભોગવટો કરનારને જવાબદાર ગણી તેની વિરુદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસૂલ કરવાની કામગીરી કરાય છે. આ કાર્યવાહી હેઠળ 478 રહેણાક અને 156 કોમર્સિયલ આસામીને નોટિસ આપવામાં આવી હતી અને 71590નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.