23 ઓક્ટોબર, બુધવારના રોજ તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે BAPS સંસ્થાના પ્રમુખ મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંસ્થાના 650થી વધુ સંતો અને દીક્ષાર્થીના માતા-પિતા તેમજ કુટુંબીજનોની હાજરીમાં દિવ્ય પાર્ષદી દિક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં 2 ડૉકટર, 4 અનુસ્નાતક, 11 એન્જિનિયર, 7 સાયન્સ ગ્રેજ્યુએટ અને 4 અન્ય ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર યુવકો સહિત કુલ 29 સુશિક્ષિત નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી હતી.
લાડકવાયા દીકરાને ભગવાન ભજવાના પંથે પ્રયાણ કરવાના પ્રસંગે દીક્ષાર્થી યુવાનોના માતા-પિતા ખૂબ જ આનંદિત હતા. લગ્નમાં જેમ વરરાજાના માતા-પિતા નવા વસ્ત્રો, ઘરેણાઓ પહેરીને સજ્જ થયા હોય એવો અતિશય આનંદ માતા-પિતા અને તમામ કુટુંબીજનોના મુખ પર દેખાઇ રહ્યો હતો. દિક્ષા મહોત્સવનો શુભારંભ સવારે 8 વાગ્યે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. આ મહાપૂજા વિધિમાં સર્વે સાધકો તેમના પિતા સાથે સંમિલિત થયા હતા.