શહેરના 80 ફૂટ રોડ, આજી વસાહત પાસે આવેલા આંબેડકરનગર-10માં ગત રાતે પ્રેમલગ્નના મુદ્દે બે પરિવાર વચ્ચે બઘડાટી સર્જાઇ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી 10 મહિલા સહિત 27 શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
ધર્મેશ ઉર્ફે ધવલભાઇ હમીરભાઇ મકવાણા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, પાડોશમાં રહેતા પકો ઉર્ફે પ્રકાશ વસંત ચાવડાના ભાણેજ યશ જગદીશ ચૌહાણે પરિવારજનોની વિરુદ્ધમાં જઇને બહેન સાથે પ્રેમલગ્ન કર્યા છે. જે મુદ્દે મનદુ:ખ ચાલતું હોય ગત રાતે પકો ઉર્ફે પ્રકાશ, તેનો ભાઇ દીપક, ભાણેજ યશ, બનેવી જગદીશભાઇ હરિભાઇ ચૌહાણ, બહેન, પકાની પત્ની વૈશાલી મહિપત, હર્ષદ, ગૌતમ, પકાના બે સાળા, તેની સાસુ અને પકાની બંને ભાણેજ ઘર પાસે આવી ઝઘડો કરી ગાળા ગાળી કરી હતી. મામલો વધુ બિચકતા લોકોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે યશ જગદીશભાઇ ચૌહાણે હમીર મેઘજી મકવાણા, તેની પત્ની જયાબેન, પુત્ર જયદીપ, ધવલ, અજય, મુકેશ કાળા મકવાણા, જગદીશ કાળુ મકવાણા, ગણેશ ગાંડા મકવાણા, જયા વિનોદ મકવાણા, ગૌરી ગણપત મકવાણા, લલિત વાણિયા, ચંપા લલિત વાણિયા અને કનુબેન લાલજી ચાવડા સામે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. થોરાળા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.