Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જેમાં સૌપ્રથમ તેમણે મધ્યસ્થ જેલ ખાતે કેદીઓને મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. બાદમાં તેઓ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત PM પ્રોજેક્ટમાં પસંદગી પામેલી સરકારી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં.93 ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભણતા 38 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ શિક્ષકની નિમણૂક કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તાકીદ કરી હતી તો રાજકોટના સૌથી જૂના અને અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન 40 વૃદ્ધોને વૃદ્ધ પેન્શન માટે કેમ્પ યોજવા સમાજ સુરક્ષા અધિકારીને સુચના આપી હતી. જ્યારે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સની વિઝિટ દરમિયાન સ્ટાફને જુવેનાઇલ જસ્ટિસ એક્ટનો વધુ અભ્યાસ કરવા સૂચન કર્યું હતું.

વિનોબા ભાવે શાળાની મુલાકાત દરમિયાન ગોયલે બાળકોને આપતા મધ્યાહન ભોજનના અનાજ તેમજ ભોજનની ચકાસણી કરી શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. આ સાથે બાળકોની મુલાકાત કરી, ઉત્સાહસભર સંવાદ કરી બાળકોને કારકિર્દી માર્ગદર્શન પણ આપ્યું હતુ. ગોયલે શિક્ષકોને કહ્યું હતું કે, બાળકોને શિક્ષકો અને શિક્ષણ ગમવા જોઈએ. ભણતર ભારપૂર્વકનું ન લાગવું જોઈએ. માત્ર કોર્ષ પૂરો કરાવવો એ જ શિક્ષકોની જવાબદારી નથી. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે પણ શિક્ષકોએ સતત સચેત રહેવું જોઈએ. તેમણે વિનોબા ભાવે પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતા 38 દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ શિક્ષકની વ્યવસ્થા કરવા જિલ્લા શિક્ષણ અધિકારી પટેલને તાકીદ કરી હતી.