અમદાવાદમાં વધુ એક મહાઠગ પકડાયો છે. આ મામલે ગાંધીનગરમાં રહેતા અને મૂળ અમરેલીના યુવકની ધરપકડ કરી તેની સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવક અમદાવાદના SG હાઈ-વે ઉપર આવેલી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી NIAમાં પોતે ઓફિસર હોવાની પરિવારને ઓળખ આપીને પત્નીને ઓફિસમાં લઈ ગયો અને બહાર ગાડીમાં બેસાડી અંદર પ્રવેશ કરતા જ તેને પકડી પાડવામાં આવતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. યુવકની ધરપકડ કરતા તેની પાસેથી ત્રણ બોગસ આઈકાર્ડ મળી આવ્યા છે.
બોગસ આઈડીકાર્ડ મળી આવ્યા
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ATSની કચેરી ખાતે NIA કચેરીના અધિકારી એક વ્યક્તિને પકડીને લાવ્યા હતા. જે યુવકે પોતે NIA ઓફિસર તરીકેની ઓળખાણ આપી હતી અને અધિકારીઓને તેના ઉપર શંકા જતા તેને પકડીને ATS ખાતે લઈ આવ્યા હતા. આ યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ગુંજન અને તે મૂળ અમરેલીનો વતની હોવાનું જણાવ્યું હતું. યુવકની તપાસ કરતા તેની પાસેથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંડરટેકિંગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું આઈકાર્ડ મળ્યું હતું. જેમાં ગુંજન કાંતિયા રેન્ક સબ ઇન્સ્પેક્ટર (ડેપ્યુટેશન) લખેલું હતું અને એન.કે ત્યાગી સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ (એડમીન) NIAની સહી કરેલી હતી.
અન્ય આઈકાર્ડની તપાસ કરતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ લખેલું હતું. ત્રીજું આઈકાર્ડ તપાસતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ લખેલું હતું કે, જેમાં ગુંજન કાંતિયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકેની ઓળખ હતી. જેમાં એન્જિનિયર પંચાયત સર્કલ રાજકોટના હોદ્દા ઉપર સહી કરેલી હોય તે પ્રકારના અલગ-અલગ આઈકાર્ડ મળી આવ્યા હતા. આ મામલે ગુજરાત ATSની ટીમે યુવકને આઈકાર્ડ બનાવવા બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ કાર્ડનો ઉપયોગ તે અલગ-અલગ કચેરીઓમાં જતો ત્યારે કરતો હતો. આ સિવાય સરકારી વિશ્રામ ગૃહમાં રોકાવા માટે કરતો હતો.