મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના 23મા દિવસે રવિવારે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. ફડણવીસ સરકારમાં 33 કેબિનેટ અને 6 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. સીએમ અને 2 ડેપ્યુટી સીએમ સહિત આ સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. કેબિનેટમાં કુલ 43 મંત્રીઓ શપથ લઈ શકે છે. એક સીટ ખાલી રાખવામાં આવી છે.
ફડણવીસ સરકારમાં 19 ભાજપ, 11 શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને 9 NCP (અજિત પવાર જૂથ) ક્વોટામાંથી મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 4 મહિલા (3 BJP, 1 NCP) અને 1 મુસ્લિમ (NCP) ચહેરાને સ્થાન મળ્યું છે. કેબિનેટમાં સૌથી યુવા મંત્રી NCPના અદિતિ તટકરે (ઉં.વ.36) છે અને સૌથી વૃદ્ધ મંત્રી ભાજપના ગણેશ નાઈક (ઉં.વ.74) છે.
ભાજપના પંકજ ભોયર (PHD) સૌથી વધુ શિક્ષિત મંત્રી છે. શિવસેનાના ભરત ગોગાવલે સૌથી ઓછા ભણેલા (8 પાસ) મંત્રી છે. કેબિનેટમાં 30-40 વર્ષની વયના બે મંત્રીઓ, 40-50 વર્ષની વયના 12 મંત્રીઓ, 50-60 વર્ષની વયના 12 અને 60 વર્ષથી ઉપરના 13 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.