સોનાની સતત વધી રહેલી કિંમતોના કારણે છેલ્લા કેટલાક સમયથી ગોલ્ડ લોન માર્કેટમાં પણ મોટા પાયે માગ આવી હતી. ભારતીય પરિવારો પાસે લગભગ 27000 ટન સોનું છે. તેમાંથી 20 ટકા એટલે કે લગભગ 5300 ટન સોનું ગોલ્ડ લોન માટે ગિરવે રાખવામાં આવ્યું છે. દેશમાં ગોલ્ડ લોન માર્કેટ 15 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. રિઝર્વ બેંકના અહેવાલ અનુસાર, છેલ્લા એક વર્ષમાં તેમાં 17%નો વધારો થયો છે અને ઉદ્યોગનો અંદાજ છે કે તે 2029 સુધી વાર્ષિક ધોરણે 12.22% વધશે.
અત્યારે દેશના ગોલ્ડ લોન માર્કેટમાં ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરનો હિસ્સો સરેરાશ 40% છે. આ આંકડો 6 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. આ હિસાબે દેશનું ગોલ્ડ લોન માર્કેટ લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું છે. તેમાંથી 60% એટલે કે લગભગ રૂ.9 લાખ કરોડનું બજાર ખાનગી વિક્રેતાઓ અને નાણાં ધીરનારના હાથમાં છે. ગોલ્ડ લોનનો સંગઠિત વ્યવસાય 2029 સુધીમાં રૂ.10 લાખ કરોડની આસપાસ પહોંચવાની અપેક્ષા છે. આમાં બેંકોનો 40% હિસ્સો હશે અને NBFC નો 60% હિસ્સો હશે.
ગોલ્ડ લોન ઇન્ડસ્ટ્રી કિંમત કરતાં વધુ વધી: છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 16.6% અને ગોલ્ડ લોનમાં 17%નો વધારો થયો છે. સોનાના ભાવમાં થયેલા વધારા અને ગોલ્ડ લોનને કારણે સરકાર અને આરબીઆઈએ ગોલ્ડ લોનનું વિતરણ કરતી બેંકો અને એનબીએફસી પર નિયમો કડક બનાવવાનું શરૂ કર્યું છે.