અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાત્રે રાષ્ટ્રપતિ બાઈડેનને મળવા વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. બેઠક દરમિયાન, બાઈડેને ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. સત્તાના 'સ્મૂધ ટ્રાન્ઝિશન'ના મુદ્દાનો પણ પુનરોચ્ચાર કર્યો.
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે. વ્હાઇટ હાઉસમાં પાવર ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સંબંધમાં બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત થઈ હતી. બાઈડેને ટ્રમ્પને બેઠક માટે આમંત્રણ મોકલ્યું હતું. બાઈડેને પણ પરિણામો બાદ ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અમેરિકામાં એવી પરંપરા રહી છે કે ચૂંટણી પછી વર્તમાન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં આગામી રાષ્ટ્રપતિ સાથે ઔપચારિક બેઠક કરે છે. આ બેઠકને સત્તા સોંપવાની પ્રક્રિયાની શરૂઆત તરીકે જોવામાં આવે છે. જો કે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 2020માં જો બાઈડેન સામે પ્રમુખપદની ચૂંટણી હારી ગયા, ત્યારે તેમણે બાઈડેનને મીટિંગ માટે આમંત્રણ આપ્યું ન હતું.