ભારતીય શેરમાર્કેટમાં છેલ્લા ત્રણ બજેટથી પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે આ વર્ષે પણ જોવા મળી શકે છે. કેમકે ચૂંટણીલક્ષી વર્ષ હોવાથી આ બજેટ વચગાળાનું બની રહેશે અને તે પણ વોટ ઓન એકાઉન્ટલક્ષી રહી શકે છે જેના કારણે બજારમાં બજેટનો કોઇ હાઉ જોવા મળ્યો નથી. ક્યા સેક્ટરને પ્રાધાન્ય આપવામાં આવે છે તેના પર બજારની ચાલ નિર્ભર રહેશે.
સેન્સેક્સમાં બજેટના દિવસે 1000 પોઇન્ટની વોલેટાલિટી જોવા મળી શકે છે. બજેટ પૂર્વે પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તેજી પાછળનું મુખ્ય કારણ સરકારનો સ્થાનિકમાં ઉત્પાદન પર ભાર રહ્યો છે મોબાઇલ ફોનના ઉત્પાદનમાં વપરાતા ઘટકોની આયાત ડ્યૂટી 15%થી ઘટાડીને 10% કરી છે. આ ઉપરાંત આઇએમએફએ વૈશ્વિક તેમજ ભારતનો ગ્રોથ સુધાર્યો છે જેના કારણે સેન્સેક્સ 612.21 પોઈન્ટ વધીને 71752.11 રહ્યો હતો જોકે ઇન્ટ્રા-ડેમાં 711.49 પોઈન્ટ સુધી વધીને 71851.39 પર પહોંચ્યો હતો. નિફ્ટી 203.60 પોઈન્ટ વધીને 21725.70 પર પહોંચ્યો હતો.
રોકાણકારોની મૂડી 379.79 લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચી છે. જ્યારે સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સ પણ નવી ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ પેકમાં સન ફાર્મા, ટાટા મોટર્સ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ વધ્યા હતા. સ્મોલકેપમાં 1.83 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 1.57 ટકાનો ઉછાળો આવ્યો હતો.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, એફઆઇઆઇની ખરીદી ખૂલી
માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સલામતી તરફીનું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં 28 સ્ક્રિપ્સ વધી હતી. FII દ્વારા 1660.72 કરોડની ખરીદી સાથે સ્થાનિક રોકાણકારો દ્વારા 2542.93 કરોડની ખરીદીનો સપોર્ટ રહ્યો હતો.