અમેરિકન પ્રમુખ જો બાઈડેને પોતાનું પદ છોડે તે પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ બાઈડેને રશિયાના ઠેકાણાંઓ પર હુમલા કરવા માટે લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની યુક્રેનને મંજૂરી આપી છે. અમેરિકાએ ખુદ યુક્રેનને આ મિસાઈલો આપી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે પશ્ચિમી રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં રશિયન અને ઉત્તર કોરિયાના હુમલાઓ સામે યુક્રેનિયન સૈન્યની રક્ષા માટે આ મિસાઈલોનો ઉપયોગ થઈ શકે છે.
ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ બાઈડેનના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પ 2.0 કેબિનેટમાં મોટો પ્રભાવ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ટ્રમ્પ જુનિયરે બાઈડેનના નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી છે. જુનિયર ટ્રમ્પે જણાવ્યું હતું કે મારા પિતાને શાંતિ સ્થાપવાની તક મળે તે પહેલાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. લશ્કરી ઔદ્યોગિક સંકુલ એ સુનિશ્ચિત કરવા માગે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થાય.