ઈલોન મસ્ક હવે વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન નથી. ફ્રેન્ચ અબજોપતિ અને લૂઈસ વિટન મોએટ હેનેસી (LVMH)ના CEO બર્નાર્ડ આર્નોલ્ટ તેમને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચ્યા છે. ટેસ્લાના શેરમાં ઘટાડાને કારણે મસ્કની નેટવર્થમાં ઘટાડો થયો છે.
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, આર્નોલ્ટની નેટવર્થ હવે $207 બિલિયન (લગભગ રૂ. 17.20 લાખ કરોડ) છે, જ્યારે ઈલોન મસ્કની નેટવર્થ $204 બિલિયન (લગભગ રૂ. 16.96 લાખ કરોડ) છે. જ્યારે જેફ બેઝોસ લગભગ 15.04 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
આ યાદીમાં ટોપ ટેનમાં ભારતનો કોઈ અબજપતિ સામેલ નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $104 બિલિયન (લગભગ રૂ. 8.64 લાખ કરોડ)ની નેટવર્થ સાથે 11મા સ્થાને છે. જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં 16માં નંબરે છે. તેમની કુલ સંપત્તિ 75 અબજ ડોલર (રૂ. 6.23 લાખ કરોડ) છે.
ટેસ્લાના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 26% થી વધુ ઘટ્યા
મસ્કની કંપની ટેસ્લાના સ્ટોકમાં આ વર્ષે અત્યાર સુધીમાં 26% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 1 જાન્યુઆરીએ તે $248.42 પર હતું, જે હવે ઘટીને $183.25 (જાન્યુઆરી 28) પર આવી ગયું છે. શેરના ભાવ ઘટવાના કારણે મસ્કની નેટવર્થ ઘટી છે. જ્યારે LVMHના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 7%નો વધારો જોવા મળ્યો છે.