અમેરિકામાં લાંચના આરોપોથી ઘેરાયેલા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે. શેખ હસીના પીએમ હતા ત્યારે બાંગ્લાદેશમાં અદાણી ગ્રુપ સાથે થયેલા પાવર કરારની તપાસ કરવા માટે એક એજન્સીની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે. વચગાળાની સરકાર દ્વારા રચાયેલી સમિતિએ આ એજન્સીની રચના કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત શેખ હસીનાના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા અન્ય છ મોટા ઉર્જા અને પાવર કરારોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે- પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સિસ મંત્રાલયની સમીક્ષા સમિતિએ 2009 થી 2024 સુધીના પાવર પ્રોડક્શન એગ્રીમેન્ટ્સને લઈને થયેલા કરારોની તપાસ કરવા માટે એક એજન્સીની નિમણૂક કરવાની ભલામણ કરી છે.
સમિતિની માંગ છે- કરારો રદ કરો અથવા પુનર્વિચાર કરો વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- સમીક્ષા સમિતિ સાત મોટા ઉર્જા અને પાવર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી રહી છે. આમાં અદાણી (ગોડ્ડા) BIFPCL 1234.4 મેગાવોટ કોલસા આધારિત પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. અન્ય છ કરારોમાં, એક ચીની કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે, જેણે 1320 મેગાવોટનો કોલસા આધારિત વીજળી પ્લાન્ટ બનાવ્યો છે.