ભારતમાં વધતી આર્થિક અસમાનતાની સમસ્યાના નિરાકરણ માટે અતિ ધનાઢ્ય લોકો પર ટેક્સ લાદવાની જરૂરિયાત છે. જે ધનિકોની આવક વાર્ષિક રૂ.10 કરોડથી વધુ હોય તેના પર 2% ટેક્સ તેમજ 33% વારસાગત કર લાદવો જોઇએ તેવો અભિપ્રાય અર્થશાસ્ત્રી થોમસ પિકેટી દ્વારા સહ લેખિત નવા રિસર્ચ પેપરમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
રિસર્ચ પેપર ‘ભારતમાં સતત વધતી આર્થિક અસામાનતાને નિરાકરણ માટે વેલ્થ ટેક્સ પેકેજમાં’ સૌથી ટોચના અને અતિ ધનાઢ્ય લોકોમાં સૌથી વધુ સંપત્તિના વિતરણ પર ટેક્સ લાગૂ કરવાનો પ્રસ્તાવ છે અને દેશના મહત્વપૂર્ણ સામાજિક ક્ષેત્ર માટે આવકનું સર્જન કરવાનું છે.
દેશના અતિ ધનાઢ્યો જેમની વાર્ષિક ચોખ્ખી આવક રૂ.10 કરોડથી વધુ હોય તેના પર 2% ટેક્સ અને વેલ્યૂએશનમાં રૂ.10 કરોડથી વધુની એસ્ટેટ પર વારસાગત કર લાદવાથી રેવેન્યૂમાં મોટા પાયે 2.73%ની જીડીપીનું સર્જન થશે. પેપરમાં જણાવવામાં આવ્યું છે કે સમાજના ગરીબ, નિમ્ન વર્ગ અને મધ્યમ વર્ગને સહયોગ પૂરો પાડવા માટે ટેક્સના પ્રસ્તાવ ઉપરાંત એક ચોક્કસ પુન:વિતરણની નીતિ પણ જરૂરી છે.