રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળનારી છે. જેમાં ગત વખતની પેન્ડિંગ ચાર દરખાસ્ત સહિત કુલ 52 દરખાસ્ત સામેલ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગની બેઠકમાં આર્ટ ગેલેરીના ભાડામાં અડધોઅડધ ઘટાડો કરવા નિર્ણય લેવામાં આવનાર છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં 150 ફૂટ રિંગ રોડ પર જામનગર રોડથી સ્માર્ટ સિટી સુધી અને સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના હેઠળ 9 કિ.મી.નો નવો રિંગ રોડ ડેવલપ કરવા રૂ.120.79 કરોડનો ખર્ચ હોય આ માટે રાજ્ય સરકારના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં દરખાસ્ત કરવા ઠરાવ કરવામાં આવનાર છે.
આર્ટ ગેલેરીમાં કલા વિષયક પ્રદર્શનમાં ગેલેરી અ, બ અને ક નું ભાડું સીધું 50 ટકા ઘટાડી દેવામાં આવ્યું છે. જ્યારે આ ત્રણેય ગેલેરીમાં ફી અથવા ટિકિટનું વેચાણ કરવામાં આવનાર હોય તેવા કિસ્સામાં ભાડું 20થી 30 ટકા ઘટાડવામાં આવ્યું છે. તેમજ ફ્રી પ્રદર્શનના કિસ્સામાં મેન્ટેનન્સ ચાર્જ રૂ.2000, સફાઇ ચાર્જ રૂ.1500 અને સિક્યુરિટી ગાર્ડ ચાર્જ રૂ.1500 કાઢી નાખવામાં આવ્યા છે. તેમજ એડમિન ચાર્જ ફ્રી અને કોમર્સિયલ બન્ને આયોજનોમાંથી રદ કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્રણેય ઝોનમાં ચોમાસાની ઋતુમાં પડેલા ખાડાઓ પૂરવા જેટ પેચર મશીનથી કામ કરાવવાન કોન્ટ્રાક્ટ રૂ.2.24 કરોડના એસ્ટિમેટ સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
જેમાં બીજા પ્રયત્ને બે પાર્ટીઓએ ટેન્ડર ભર્યા હતા જેમાં એપિકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિ.એ 12.75 ટકા ઓન ભાવ ભર્યા હતા જે એલ-1 હોય તેને કામ આપવા કમિશનરે દરખાસ્ત કરી છે. કાલાવડ રોડના ઇસ્કોન મંદિરથી 150 ફૂટ રિંગ રોડ પરના ફન બ્લાસ્ટ સુધીના 24 મીટર પહોળાઇના ડાયવર્ઝન રૂટ ઉપર સેન્ટ્રલ એલઇડી લાઇટ નાખવાનો અને તેના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે આપવા દરખાસ્ત કરાઈ છે. વોર્ડ નં.6માં રૂ.4.58 કરોડના ખર્ચે ડામર રિ-કાર્પેટ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
મેનેજર-વોર્ડ ઓફિસરોને ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ કરાવાશે મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી શાખાના મેનેજર સવર્ગના અધિકારીઓ અને વોર્ડ ઓફિસરોને હાલની જરૂરિયાત મુજબની કામગીરીના અપગ્રેડેશન માટે ઇગ્નૂનો માસ્ટર ઓફ આર્ટસમાં અર્બન સ્ટડીઝનો બે વર્ષનો ડિસ્ટન્સ લર્નિગ કોર્સ કરાવવા દરખાસ્ત કરવામાં આવી છે. તે માટેનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવશે તેવી દરખાસ્ત કરવામાં આવી છે.