ઈરાનની જેલમાં બંધ નોબેલ પુરસ્કાર વિજેતા મહિલા અધિકાર કાર્યકર્તા અને પત્રકાર નરગીસ મોહમ્મદીને 3 અઠવાડિયા માટે જામીન પર મુક્ત કરવામાં આવી છે. નરગીસ નવેમ્બર 2021થી જેલમાં છે. મૃત્યુદંડ અને હિજાબ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા બદલ ઈરાનની સરકાર દ્વારા તેણીની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવા બદલ નરગીસને 2023માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નરગીસની મુક્તિની માહિતી તેના વકીલ મુસ્તફા નીલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે.
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડોક્ટરોની સલાહ પર સરકારે નરગીસની સજા 3 અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી છે. સાથે તેને મુક્ત કરવામાં આવ્યા. નરગીસના પરિવાર અને સમર્થકોએ માત્ર 3 અઠવાડિયા પછી તેની મુક્તિ પર નારાજગી વ્યક્ત કરી છે. નરગીસના પરિવારે ઓછામાં ઓછા 3 મહિના માટે મુક્તિની માગ કરી છે.