અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં ગુરુવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 આંકવામાં આવી હતી. યુએસ વેધર સર્વિસે ભૂકંપ બાદ તરત જ સુનામીની ચેતવણી જારી કરી હતી. જોકે, 1 કલાક બાદ એલર્ટ રદ કરવામાં આવ્યું હતું. ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
યુએસ વેધર સર્વિસે જણાવ્યું કે ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 10.44 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર કેલિફોર્નિયાના ફર્ન્ડેલ સિટીથી 9 કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં હતું. ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ફર્ન્ડેલ શહેરમાં 1300 લોકો રહે છે. તેમના માટે સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એલર્ટ કેન્સલ કરવા છતાં લોકોને દરિયા કિનારે ન જવાની સલાહ આપવામાં આવી હતી. ભૂકંપને કારણે ફર્ન્ડેલમાં સંપત્તિને નુકસાન થયું હતું.