શહેરની ભાગોળે પરાપીપળિયામાં રહેતા પ્રૌઢે તેમના ગામના શખ્સ પાસેથી રૂ.10 લાખમાં ફ્લેટ ખરીદ કર્યો હતો. વેચનારે લોન પર ફ્લેટ લીધો હોય અને તેના હપ્તા નહીં ચૂકવતાં બેંકે ફ્લેટને સીલ મારી દીધું હતું અને ફ્લેટ વેચનારે પ્રૌઢને નાણાં પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી.
પરાપીપળિયામાં રહેતા પાંચાભાઇ નારણભાઇ મૈયડે (ઉ.વ.54) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરાપીપળિયાના જ વતની અને રૈયા રોડ પરના દ્વારકેશ પાર્કમાં રહેતા હિતેષ અમરા હુંબલનું નામ આપ્યું હતું. પાંચાભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હિતેષ અમરા હુંબલ તેમના જ ગામના વતની હોવાથી વર્ષોથી તેની સાથે પરિચય છે. હિતેષ હુંબલને પંચવટી એપાર્ટમેન્ટમાં ફ્લેટ હતો, તે ફ્લેટ તેણે વેચવાનો હતો અને પાંચાભાઇએ ખરીદ કરવો હોય વર્ષ 2018માં બંને વચ્ચે આ મુદ્દે વાર્તાલાપ થતાં રૂ.11.50 લાખમાં ફ્લેટનો સોદો થયો હતો. પાંચાભાઇએ રૂ.10 લાખ ચેકથી ચૂકવી આપ્યા હતા.
ફ્લેટ પર લોન હોવાથી હિતેષે ચાર મહિનામાં લોન ભરપાઇ કરી ફ્લેટની ફાઇલ મેળવી દસ્તાવેજ કરી આપશે તેવી ખાતરી આપી હતી. જોકે હિતેષે હપ્તા નહીં ભરતાં બેંકે ફ્લેટને સીલ મારી દીધું હતું. આ બાબતે હિતેષે કહ્યું હતું કે, વેચાણના રૂ.10 લાખ અંગત કામમાં વાપરી નાખ્યા હતા. પાંચાભાઇએ રકમ પરત માગતાં પોતાની જમીન વેચાયે રકમ ચૂકવી દેશે તેવી વાત કરી વર્ષો સુધી સમય પસાર કરી દીધો હતો અને અંતે રકમ ચૂકવવાની ના કહી છેતરપિંડી આચરી હતી. પોલીસે ગુનો નોંધી હિતેષ હુંબલની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી.