રાજકોટ શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું છે. રાજકોટના જુના માર્કેટ યાર્ડ પાસે બપોરે 12.30 વાગ્યા આસપાસ પાણીના ટેન્કરની પાછળ સ્કૂટર ઘુસી ગયું હતું, જેમાં વાહનચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની કરુણતા એ છે કે, યુવકના પત્નીએ જયારે તેને જમવાનું પૂછવા માટે ફોન કર્યો ત્યારે તેને અકસ્માત અંગે જાણ થઇ હતી અને પછી તેના પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાનને સંતાનમાં એક 3 વર્ષનો પુત્ર છે, જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રાજકોટ શહેરના જુના માર્કેટ યાર્ડ પાસે પાણીના ટેન્કર પાછળ વાહન ઘૂસી જતા અકસ્માતમાં ઘટના સ્થળે જ વાહન ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. બપોરના 12.30 વાગ્યા આસપાસ આ ગંભીર જીવલેણ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા વળી ગયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માત મૃત્યુ પામેલ યુવક રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક ઘનશ્યામનગરમાં રહેતા પ્રદિપ રાજેન્દ્રભાઇ પ્રજાપતિ (ઉ.વ.27) હોવાનું સામે આવ્યું છે. જે પરિણીત હોવાનું અને તેને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.