ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ની સ્ટોરી જેવી જ એક વાસ્તવિક ઘટના સામે આવી છે. ફિલ્મમાં જ્યાં અભિનેતા સલમાન ખાનના પાત્રમાં એક ગુમ થયેલી છોકરીને સરહદ પાર પાકિસ્તાનમાં તેના પરિવાર સુધી પહોંચાડે છે, આવી જ એક રિયલ સ્ટોરીમાં પાકિસ્તાનમાં ઈમામ યુટ્યૂબર વલીઉલ્લાહ મારૂફે 22 વર્ષ પહેલાં છેતરપિંડી કરીને પાકિસ્તાનમાં લઈ જવાયેલી ભારતીય મહિલા હમીદા બાનોને ભારતમાં તેના પરિવાર સાથે ભરત મિલાપ કરવામાં મદદ કરે છે.
છેલ્લાં 22 વર્ષથી પાકિસ્તાનમાં રહેતી ભારતીય મહિલા હમીદા બાનો લાહોરની વાઘા બોર્ડરથી પોતાના દેશ ભારત પરત આવી હતી. હમીદાને ટ્રાવેલ એજન્ટ છેતરીને પાકિસ્તાન લઈ ગયા હતા. મૂળ મુંબઈની હમીદા 2002માં પાકિસ્તાનના હૈદરાબાદ પહોંચી હતી. બાનો અનુસાર, એક એજન્ટે તેને દુબઈમાં નોકરી અપાવવાનું વચન આપીને છેતરપિંડી કરી હતી. બાનોએ જણાવ્યું કે, એજન્ટ તેને દુબઈ લઈ જવાને બદલે પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદ જિલ્લામાં લઈ આવ્યો.