5 નવેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવનાર રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ આજથી બરાબર એક મહિના પછી 20 જાન્યુઆરી 2025ના રોજ સત્તા સંભાળશે. તે પહેલાં આખું યુરોપ રાજકીય સંકટમાં ઘેરાયેલું છે. તાજેતરમાં જર્મનીમાં ચાન્સેલર ઓલાફ શોલ્ઝની સરકાર સત્તામાંથી બહાર થઈ. બીજી તરફ, ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ ઘણા મહિનાની સ્થાનિક રાજકીય ઊથલપાથલને કારણે ઘણા નબળા પડી ગયા છે. નવા વર્ષમાં તેમનો સામનો ટ્રમ્પ સાથે થશે, જેઓ અમેરિકા ફર્સ્ટ અને નાટોની નાણાકીય મદદ બંધ કરવા જેવા એજન્ડા પર અડગ છે. છેલ્લાં અઢી વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતાં રશિયા-યુક્રેન યુદ્ધે યુરોપ માટે પડકાર વધારી દીધા છે. વાસ્તવમાં અમેરિકામાં ટ્રમ્પની વાપસી અને યુરોપિયન સરકારોની અસ્થિરતાને લીધે વિશ્વની ચિંતા વધી ગઈ છે કારણ હવે યુરોપમાં નેતૃત્વનું સંકટ સર્જાયું છે.
ટ્રમ્પના સહયોગીઓ યુક્રેન અને રશિયા સૈનિકો વચ્ચે 1300 કિમી લાંબા બફર ઝોન અંગે ચર્ચા કરી રહ્યા છે. તેની દેખરેખ માટે ટ્રમ્પ 40 હજાર યુરોપિયન સૈનિકોની તહેનાતી ઈચ્છે છે. રશિયા-યુક્રેન યુદ્ધના પ્રારંભથી જ યુરોપિયન દેશોએ યુક્રેનમાં સૈનિકો મોકલાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. માત્ર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન જ યુક્રેનમાં તેમના સૈનિકો મોકલવાની ચર્ચા કરી હતી, તેને લઈ તેમનો પણ ભારે વિરોધ થયો હતો.