મચ્છીપીઠમાં મિત્રને મળવા આવેલા 5-6 યુવક પર નવાબવાડાની કુખ્યાત રેડિયમ ગેંગે અગાઉના ઝઘડાની અદાવત રાખી હુમલો કરી દીધો હતો. યુવકો પર હુમલો કરવાની સાથે મહિલાઓના વાળ ખેંચીને માર મારી દાગીના લૂંટી લીધા હતા. ગેંગ દ્વારા વિસ્તારમાં કાંકરીચાળો પણ કરાયો હતો. ઘટનામાં રેડિયમ ગેંગના મુખ્ય સૂત્રધાર શહેજાહ ઉર્ફે પીપોડી, આશીફ ઉર્ફે તીતલીની પણ સંડોવણી સામે આવી હતી. જોત-જોતામાં જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. જોકે પોલીસ આવે તે પહેલાં તમામ આરોપીઓ ભાગી છુટ્યાં હતા.
વાડી વિસ્તારના જહાંગીરપુરા મહોલ્લામાં રહેતો યામીન નુરઉદ્દીન ધોબી મચ્છીપીઠની એમ.કે.શાવરમા રેસ્ટોરાં ખાતે નોકરી કરે છે. તેણે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, શબ-એ-બારાત હોવાથી મુસ્લીમ સમાજના લોકો એકબીજાને મળતા હોય છે. ગત તા.13મીએ રાત્રે 11 વાગ્યાની આસપાસ કેટલાક છોકરાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેથી યામીને હોટલની બહાર નીકળીને જોતા તેના મિત્ર મુસ્તુફા ઉર્ફે રાહીલ મો.અતીક શેખને તેના મિત્ર આદિલ શેખ, રેહાન તેજા (બંને રહે, યાકુતપુરા) સહિત 3 જણા મળવા માટે આવ્યા હતા.
આ વખતે શાલિમારી હોટલ નજીક સાહિલ ઉર્ફે જેશી, ફારૂક ઉર્ફે બોટી, અૈયુબ પઠાણ, આસીફ ઉર્ફે તીતલી, શહેજાદ ઉર્ફે પીપોડી, શાહિદ સહિત 3-4 જણા આદિલ અને રેહાન સાથે અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખી બેટ, પાઇપ લઈને આડેધડ મારામારી કરવા લાગ્યા હતા. ધસી આવેલું આ ટોળુ એમ.કે.શાવરમા હોટલમાં દોડી આવતા યામીનના માસી નસીમબાનુ શેખ તેઓને છોડાવવા વચ્ચે પડતા ફારૂકે તેમને માર માર્યો હતો. જ્યારે ટુંક જ સમયમાં ટોળાએ હોટલની નજીક પણ મારામારી કરવાની શરૂ કરી દીધી હતી. નોંધનિય છે કે, જાહેરમાં મારામારી થતાં પસાર થઇ રહેલાં લોકો સહિત વિસ્તારમાં રહેલા નાગરિકોમાં પણ ભારે ભય વ્યાપી ગયો હતો.