કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાની જ પાર્ટીમાં ઘેરાઈ ગયા છે. તેમની ખુરશી જોખમમાં મુકાઈ ગઈ છે. અઢી મહિનાથી લઘુમતી સરકાર ચલાવી રહેલા ટ્રુડોની લિબરલ પાર્ટીના જ 13 સાંસદ બળવાખોર બની ગયા છે. લિબરલ કૉકસમાં સામેલ આ સાંસદો ટ્રુડોના રાજીનામાની જીદે ચઢ્યા છે. 338 સભ્યના હાઉસ ઑફ કોમન્સમાં ટ્રુડો પાસે 153 સાંસદનું જ સમર્થન છે. વિપક્ષ પાસે 185 સાંસદ છે.
નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડે ટ્રુડોની નીતિઓના વિરોધમાં રાજીનામું આપ્યું, એ ટ્રુડોને પહેલો આંચકો આવ્યો હતો. 2021માં સમય કરતાં વહેલાં ચૂંટણી યોજીને સત્તામાં પાછા આવેલા ટ્રુડોની ફેબ્રુઆરીમાં સામાન્ય બજેટમાં સૌથી મોટી અગ્નિપરીક્ષા થશે. સંખ્યાબળના આધારે બજેટ પાસ થાય તેવી શક્યતા નહિવત્ છે. જાણકારોના કહેવા પ્રમાણે આ સ્થિતિમાં જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં કેનેડામાં ટ્રુડોની વિદાય નિશ્ચિત છે. કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી થવાની શક્યતા છે.