રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી એટલે કે સેન્ટ્રલ ઝોન ઓફિસમાં આધારકાર્ડ, જન્મ-મરણ દાખલા, કેવાયસી સહિતની કામગીરી માટે શહેરીજનો ભારે હેરાન થઈ રહ્યા છે. આ સ્થિતિ ઘણા સમયથી ચાલી રહી છે. જોકે કોઇ સરળ રસ્તો નીકળતો નથી. આ લાઈનોનો ‘તાગ’ મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાં અધિકારીઓ સાથે વાત કરી હતી અને પછી ફોટા પડાવીને નીકળી ગયા હતા. આવું ફોટોસેશન સુમેરા જ નહિ લગભગ દરેક કમિશનર નવા નવા આવે ત્યારે કરે છે. લોકોની સમસ્યાની કદર કરીને હલ કરવાના આ દેખાવ દર વખતે થાય છે અને પછી આખી ટર્મ પૂરી થયા સુધી તે મુદ્દે ચર્ચા જ નથી કરાતી. સુમેરા મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે જ જન્મ-મરણના દાખલા માટે લાંબી કતારો અને આધારકાર્ડના ટોકન લેવા માટે માથાકૂટ ચાલી રહી હતી.
આધારકાર્ડમાં સુધારા વધારા એ નિયમિત ચાલતી પ્રક્રિયા છે. તેવામાં હવે રેશનકાર્ડમાં ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. તેને કારણે મનપા કચેરીએ ભારે ભીડ થઈ રહી છે. ખાસ કરીને બુધવારે એટલે કે ઔદ્યોગિક શ્રમિકોના રજાના દિવસે તો ભીડ વધી જતા સ્ટાફ સાથે રકઝકનું પ્રમાણ પણ વધતું હોય છે. જેને લઈને હવે આધારકાર્ડમાં ટોકન સિસ્ટમ અમલી બનાવાઈ છે જેની શરૂઆત ગુરુવારે કરાઈ હતી તો ત્યારે પણ અનેક લોકોને ટોકન મળ્યા ન હતા. મનપાએ હયાત પદ્ધતિમાં ફેરફાર કરવો કે પછી અન્યત્ર આખી સુવિધા ખસેડીને ત્યાં લોકોને સરળતા રહે તે માટે કાર્યવાહી કરવાની જરૂરી છે.