2024માં ભારતીય શેરમાર્કેટમાં વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી સામે સ્થાનિક રોકાણકારોનો મજબૂત સપોર્ટ મળ્યો છે. એપ્રિલથી નવે.ની વચ્ચે 8 મહિનામાં સ્થાનિક શેરમાર્કેટના કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારી 6.8% વધી 3.28 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે. ચાલુ નાણાવર્ષ પૂરું થવામાં હજુ ત્રણ મહિના બાકી છે જેને કારણે આ આંકડો વધી શકે છે.
ગત નાણાવર્ષે પણ આ આંકડો 3.07 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. માર્કેટમાં આગામી સમયમાં સેક્ટર સ્પેસિફિક એપ્રોચ જોવા મળશે. કેશ સેગમેન્ટમાં શેર્સનું સામાન્ય ટ્રેડિંગ થાય છે. તેમાં વાયદા કારોબાર (F&O)ને સામેલ નથી કરાતા. ભાગીદારીના આંકડામાં એવા વ્યક્તિગત રોકાણકારો છે, જેમણે વર્ષમાં ઓછામાં ઓછા એક વાર શેર્સમાં ખરીદી-વેચાણ કર્યું છે. NSEના માર્કેટ પલ્સ રિપોર્ટ અનુસાર, એપ્રિલ-નવેમ્બરની વચ્ચે NSEમાં કેશ સેગમેન્ટનું એવરેજ ડેઇલી ટર્નઑવર 1.21 લાખ કરોડના રેકોર્ડ સ્તરે હતું. 2023-24ના 12 મહિનામાં તે રૂ.82 હજાર કરોડ હતું.
2024માં નવેમ્બરના અંત સુધીમાં વિદેશી રોકાણકારોએ શેરમાર્કેટમાંથી રૂ.15,020 કરોડની વેચવાલી કરી હતી. બીજી તરફ સ્થાનિક ફંડ્સ દ્વારા રૂ.4.93 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. વ્યક્તિગત રોકાણકારોએ પણ રૂ.1.55 કરોડનું રોકાણ કર્યું છે. એનએસઇ કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો સર્વાધિક 35% રહ્યો હતો.