ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં આશ્ચર્યજનક ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. અમદાવાદમાં ગત વર્ષે રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ છે. જ્યારે હવાઈ યાત્રીઓની સંખ્યા 60 લાખ વધી ગઈ છે. હવે લોકોમાં આરામદાયક અને લગ્ઝરી મુસાફરીનું ચલણ વધ્યું છે. જેના પગલે તેઓ વધુ ખર્ચ કરવામાં અચકાતા નથી. આ જ કારણ છે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષોમાં વિમાનમાં મુસાફરી કરનાર લોકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
જોકે, એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ભલે વધી હોય પરંતુ એરપોર્ટની આવક વધવાને બદલે 408 કરોડ ઘટી છે. જ્યારે રેલવેમાં મુસાફરોની સંખ્યા ઘટવા છતાં પણ આવક વધી છે. માત્ર અમદાવાદ જ નહીં સુરત, વડોદરામાં પણ હવાઈ મુસાફરોની સંખ્યા વધી છે. આ તમામ એરપોર્ટની કમાણીમાં ગાબડું પડ્યું છે. જ્યારે છેલ્લા સાત વર્ષોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રેલવે યાત્રીઓની સંખ્યા ઘટી છે તેમ છતાં આવક વધી છે. જેનું મુખ્ય કારણ છે કે હવે એસી અને સ્લીપર ક્લાસને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. એટલું જ નહીં પ્રીમિયમ ટ્રેનોમાં પણ ભાડું વધુ હોવા છતાં તેમાં મુસાફરી કરનાર યાત્રીઓની સંખ્યા વધી છે. આમ લોકો હવે સુવિધા-સમય બચત પર વધારે ધ્યાન આપી રહ્યા છે. ફોર વ્હિલર વાહનોનું ચલણ પણ વધ્યું છે. વર્ષ 2021-22માં 3,91,3,678 કાર-જીપ રજિસ્ટ્રેશન થઈ. 2022-23માં 4,23,0,806 રજિસ્ટર્ડ થઈ. જ્યારે 2021-22માં ટેક્સી કેબ 1,03,356 નોંધાઈ જે 2022-23માં વધીને 1,11,653 પહોંચી ગયું.